Wednesday 3 August 2016

#Gujrati Gazals....


❛લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.❜
- મરીઝ


🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛જાય છે એ કાન... તરહી...

આમ સૌની લાગણી જ્યાં સળવળે છે..
મૌન ભીની વેદના ત્યાં ટળવળે છે...*

શ્યામ તારી વાંસળી હું સાંભળું છું..
ગોપ ગોપી જેમ દિલમાં કળ વળે છે...

ગોધુલી ઊડી, બન્યો તું પાંડુરંગી..
જોઇને આંખો અમારી ઝળહળે છે...

આ સમીરે રાસ રમવા દોટ મૂકી..
વૃક્ષમાં વૃંદાવને એ હળહળે છે...

મારવા કુદકો ભલે તૈયાર થ્યો છે..
આજ જમના પણ હવે તો ખળખળે છે...

ગોકુળીયાંની અમે વાતો કરીએ..
ગોધને પણ વાત આખી ચળવળે છે...

જાય છે એ કાન મથુરાના નગરમાં..
આ 'જગત'ની આંખ આજે ઝળઝળે છે...❜
- જગત


🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛કબર... તરહી...

હ્રદયમાં જરૂરી છે ચાહ રાહબરની..
નજરને મળી રાહ આજે નજરની...

ભરેલા હશે જામ એના નયનમાં..
પછી જો મજા કેટલી છે સફરની...

ચડે છે નશો જે અમારી સંગતનો..
થવાની નથી જાણ આવી અસરની...

અમે તો વસ્યા કેટલાયે હ્રદયમાં..
બન્યા મૌન, જાણ ક્યાં એ ખબરની...

કદરદાન જો ને હવે તું અમારા..
તને તો ખબર પણ નથી એ કદરની...

ચડાવી રહી છું હવે તું કુસુમને..
'જગત'ને ભલી ક્યાં ખબર એ કબરની...❜
- જગત



🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛રસ્તો કદી હું સત્ય કેરો ત્યાગતી નથી,
પડકારની પિસ્તોલથી યે ભાગતી નથી.*

બોલું વિચારું જે, કરું સૌને ગમે સદા,
છે ધાર મારી વાતમાં પણ વાગતી નથી.

વિશ્વાસ તો છે શ્વાસ સંબંધો તણો ખરે!
જેને કહું મારા, કદી હું તાગતી નથી.

આવી મળે એ, ભાગ્યમાં જે હોય, ખુદબખુદ,
બે હાથ ફેલાવી કદી હું માગતી નથી.

ધાર્યું મળે, ચાહ્યું જડે, બોલ્યું ફળે અહીં,
એવું સપન છે જિંદગી હું જાગતી નથી.❜
- ધૃતિ ઉપાધ્યાય

🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.❜
- મનહર મોદી


No comments:

Post a Comment