Sunday, 24 July 2016

#gujrati Article...

#Must #Read
❛એક કોલેજીયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યુ, “અંકલ, આપ ક્યારે ફ્રી હશો ? મારે આપને મળવુ છે.” એ ભાઇએ કહ્યુ, “બેટા, હું હમણા થોડો વ્યસ્ત છું પણ તારા માટે હું ગમેતેમ કરીને સમય કાઢીશ. મને એ તો કહે કે તારે મને શા માટે મળવું છે ?” છોકરાએ કહ્યુ, “અંકલ, મારે આપને મારી એક અંગત સમસ્યાના સમાધાન માટે મળવું છે”. છોકરાના અવાજ પરથી એવું લાગ્યુ કે પ્રશ્ન ગંભીર છે એટલે એ ભાઇએ છોકરાને સાંજે જ એમની ઓફીસે મળવા માટે બોલાવી લીધો.

છોકરો સાંજે એના અંકલની ઓફીસ પર પહોંચ્યો. છોકરાએ અંકલની સમક્ષ એમની સમસ્યા રજુ કરતા કહ્યુ, “અંકલ તમે પપ્પાને આ વાત ન કરતા. હમણા થોડા દિવસ પહેલા એક મિત્રના જન્મદિવસની પાર્ટી હતી. પાર્ટીમાં બીયર અને સીગારેટ પણ હતી. મેં મનાઇ કરી પણ મિત્રોના આગ્રહને કારણે હું મારી જાતને રોકી ન શક્યો અને મારાથી બીયર તથા સીગારેટ લેવાઇ ગઇ. મને આ બાબતનો ખુબ પસ્તાવો છે. જીવનમાં આવી ભૂલ બીજી વખત નહી જ કરુ એવું નક્કી પણ કર્યુ છે. મારી આ ભૂલને કારણે મને સતત ડર લાગ્યા કરે છે. શું કરવું તે સમજાતું નથી.”

અંકલ પોતાની ખુરશી પરથી ઉભા થઇને છોકરા પાસે ગયા. એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ, “બેટા, તને તારી ભૂલ સમજાણી એ જ મોટી વાત છે. આ વાતને હવે ભૂલી જવાની અને ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન ન થાય એની તકેદારી રાખવાની. તારી જગ્યાએ હું હોવ તો કદાચ મારાથી પણ આ ભૂલ થઇ શકે”. છોકરાને અંકલની વાતોથી ખુબ સારુ લાગ્યુ.
 
એ ભાઇ ઓફીસ પરથી ઘરે આવ્યા. એક યુવાનના પ્રશ્નનું સમાધાન કરી આપ્યુ એનો આનંદ હતો. રાત્રી ભોજન લીધા બાદ ટીવી સીરીયલ જોતા હતા ત્યારે એના યુવાન દિકરાએ પપ્પાનો સારો મૂડ જોઇને કહ્યુ, “પપ્પા, કેટલાય દિવસથી એક વાત આપને કહેવી હતી પણ હિંમત નહોતી ચાલતી. મને માફ કરજો પપ્પા, પણ મારાથી એક મિત્રની બર્થ-ડે પાર્ટીમાં બીયર અને સીગારેટ લેવાઇ ગઇ છે. પપ્પા જીંદગીમાં આવી ભૂલ હવે ક્યારેય નહી કરુ એની આપને ખાત્રી આપુ છું.” વાત સાંભળીને છોકરાના પિતા સફાળા ઉભા થઇ ગયા દિકરાને ઘમકાવતા કહ્યુ, "ડોબા, તે તો પરીવારની આબરુને ધૂળધાણી કરી નાંખી. મને તો થાય છે કે તારી આ ભૂલ બદલ તને કડકમાં કડક સજા કરુ".

મિત્રો, બીજાના સંતાનોએ કરેલી ભૂલો બદલ એને સમજાવી શકાય અને એની ભૂલોને સ્વિકારી શકાય તો પછી ખુદના સંતાન માટે આવું કેમ નથી થઇ શકતું ? સંતાનોની ભૂલોને સ્વિકારતા થઇશું તો એ ભૂલો છૂપાવતા બંધ થશે.❜
- Shailesh Sagpariya Article

No comments:

Post a Comment