Sunday, 31 July 2016

#Gujrati Gazals.....

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું
છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું......
-ખલીલ ધનતેજવી

🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹


અર્થ જુદો, અવાજ જુદો છે
 લાગણીનો રિવાજ જુદો છે

 લોકલાજે ઊભો છું ટોળામાં
 દોસ્ત, મારો સમાજ જુદો છે

 કાલનો એક જે હતો ફોટો
 રંગ એનોય આજ જુદો છે

 ગામનાં ગામ છે વળ્યાં ટોળે
 દુઃખનો કાંટાળો તાજ જુદો છે

 દર્દ સઘળાં લખાય શી રીતે ?
મૌનનો પણ મિજાજ જુદો છે

 હર વખત 'હર્ષ' મન મનાવું છું
 આ વખતનો ઇલાજ જુદો છે
-હર્ષ બ્રહ્મભટ્ટ


🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹



❛રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી,
ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા,
એની સાથે મુલાકાત પહેલી હતી.

આંખમાં એક દરિયો છુપાયો હતો,
પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી,
ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી.

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા,
જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું,
જિંદગી એક પળમાં ઉકેલી હતી.

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ,
પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી,
પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.❜
- શોભિત દેસાઇ

🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹


❛નામ... તરહી ગઝલ...

હવે પંખી જો થાશું તો સદાએ નાચતા જઇશું..
અમે બે ચાર પીંછા ડાળને પણ આપતા જઇશું...

અમે આવ્યા હતા શું લૈ.! જવાના પણ હવે શું લૈ..
કરીશું કામ એવું, હાક તમને મારતા જઇશું...

ભરેલા કેટલા છે આંખમાં સમણા અમારીએ..
હવે જો જો તમારી આંખમાં પણ આંજતા જઇશું...

હ્રદયમાં લાગણીઓને ભરીને પણ તમે ચૂપ છો..
સમય આવી ગયો એને અમે નિતરાવતા જઇશું...

બહું સુંદર છે ઇશ્વરના "જગત"ની એ બનાવટ પણ..
તમે પણ જોઇ લેજો એક નામજ જાપતા જઇશું...❜

🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹



નઝમો અને ગઝલોનું તો છે માત્ર બહાનું
બાંધુ છું બધી રીતે જમાનાના પવનને
                    --------
દિલ છે જુદી તરફ અને બુદ્ધિ બીજી ભણી
આ કયાં લઈને ચાલ્યા છે મારા કદમ મને
                     ------------
મને ખંજરની તેજસ્વીતા ગભરાવી નથી શકતી
કે હું જોયા કરું છું જે ચમક છે મારા કાતિલમાં
                    -------------
બાકી રહે જો બાગ તો પાનખર છે કબૂલ
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે
                     ------------
કર્તવ્ય  પ્રેમનું  છે  પ્રતિક્ષા  કરીશ  હું
તમને ન હોય પણ મને કિંમત વચનની છે
                    --------------
શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર
                    -------------
જો બતાવો મને પ્રણયની દવા
હું 'મરીઝ' આપને સલામ કરું

                --મરીઝ--


🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹



No comments:

Post a Comment