Thursday, 7 July 2016

Gujrati gazal

બતાવી દે !
સૂન અથવા શિખર બતાવી દે
તું  મને મારું   ઘર બતાવી દે

ઓળખું, જો આખર બતાવી દે
દે તલપવું,  ટશર બતાવી દે

સૌની અંગત ખબર બતાવી દે
લાગણી શું? શું ડર? બતાવી દે

આજ મારા ય હાથ ના પહોચ્યા
ક્યાં રહી ગઈ કસર બતાવી દે

તેં  મને  પૂછેલા  સૌ  પ્રશ્નોના
તું જ સઘળા ઉત્તર બતાવી દે

ગૂંચ અર્પણ તને આ તન-મનની
હલ બતા દે; હુન્નર બતાવી દે

અંશ છે તું ય એની અચરજનો
કોણ એ જાદુગર ? બતાવી દે
- સંજુ વાળા


......................................................


     વીતી ગયેલા દિવસો હવે
        યાદ નથી કરવા.....
        બાકી રહેલા દિવસો હવે
        બરબાદ નથી કરવા

        શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
        જીવનમાં....
        જવાદો ને યાર હવે કોઇ
        હિસાબ નથી કરવા.

        ફરીયાદ આપણે શું કરીએ
        ઇશ્વરના દરબારમાં.....

        ઇશ્વરને પણ ફરિયાદ છે
        આપણા વ્યવહારમાં



......................................................



ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ,
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

- *રમેશ પારેખ*



......................................................




તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
 આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
 મારગથી કાંટાઓ શોધ્યા
 તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના
 તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
 કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
 ખુદમાં વરસાદ થતો જોયો
 તમે કોઇના આભને મેઘધનુષ આપવા
 પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
 માથુ મૂકીને રડ્યા છો ?

- મુકેશ જોષી




......................................................



મૌનને ધારદાર કરવાના,
વાત એમાં અપાર કરવાના !

જળ વહન ધોધમાર કરવાના,
એ નથી ધીમી ધાર કરવાના !

કોઈ કાગળ કલમ ન લઈ આવો,
છે હ્રદયના કરાર કરવાના !

એ ભલે યુગ જેવડી વીતે,
પળને પળમાં પસાર કરવાના !

હું નહીં જાઉં ત્યાં સુધી નક્કી,
એ નથી બંધ દ્વાર કરવાના !

- ભરત વિંઝુડા

No comments:

Post a Comment